CM ભુપેન્દ્ર પટેલે ‘ગો-ગ્રીન યોજના’ ને આપી લીલીઝંડી: રાજ્યના શ્રમિકોને થશે મોટો ફાયદો

104
Published on: 12:27 pm, Tue, 26 October 21

શ્રમ તથા રોજગાર વિભાગ દ્વારા 25 ઓક્ટોબરે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા રાજ્ય મકાન અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ સંગઠીત ક્ષેત્રના અને બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી અપાશે.

આ વેબ પોર્ટલ પર કરી શકાશે અરજી:
RTO ટેક્સ તેમજ રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે એના માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાયું હતું.

5 શ્રમિકોને ઇ-વ્હીકલની ખરીદી માટેની સબસિડીના ચેક અર્પણ કર્યા:
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના સંગઠિત તથા બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને પરિવહન માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોન્ચિગ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કલાઈમેટ ચેન્જ વિષય અંગે લોકો ખુબ ઓછું જાણતા હતા ત્યારે PM નરેન્દ્ર મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને રાજ્યમાં કલાઈમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.

આપણે પણ આ જ પગલે ચાલીને પર્યાવરણને ખુબ ઓછામાં ઓછી હાનિ પહોંચે તેમજ વાયુ પ્રદૂષણ અટકે તથા શ્રમિકોને વાહન યાતાયાતમાં આસાની રહે એના માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. CM ભુપેન્દ્ર પટેલે આ અવસરે સંગઠિત તથા બાંધકામ ક્ષેત્રના 5 શ્રમિકોને ઇ-વ્હીકલ ખરીદી માટેની સબસિડીના ચેક પણ અર્પણ કર્યા હતા.

સબસિડી મેળવવા માટેનાં નિયમો:
FAME-2 (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) અને GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરાયેલા અધિકૃત વિક્રેતા અને અધિકૃત મોડેલ પર જ સબસિડીનો લાભ મળશે. એક વારમાં ઓછામાં ઓછા 50 કિમી ચાલી શકે એવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે, જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ પ્રમાણે માન્યતા ધરાવતા ટુ-વ્હીલર.

સાથોસાથ ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો એટેલ કે, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાયના ઉત્પાદકો તેમજ તેના વિક્રેતાઓને આ યોજના અંતર્ગત એમપેનલ કરી શકાશે નહીં જયારે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં નિર્માણ પામેલ વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા પ્રાપ્ત થઈ છે.