
સોમનાથની ગાથા તો સૌ કોઈ જાણતા હોઈ પરંતુ શું કોઈ ઘેલા સોમનાથની ગાથા જાણે છે? ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણથી 20 કિલોમીટર દૂર ઘેલા નદીના કિનારે આવેલા શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે આજે આપણે અહીં વાત કરીશું. આ મંદિરનો ઇતિહાસ લગભગ 15મી સદી 1457માં વર્ષનો છે, જ્યારે શિવલિંગનું રક્ષણ કરતા ઘેલો વાણિયાને મારવામાં આવ્યો અને તેની યાદમાં આ મંદિરનું નામ ઘેલા સોમનાથ પડ્યું હતું.
એ સમયે પ્રભાસપાટમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટવા માટે અને મંદિરને નષ્ટ કરવા માટે મહમદ ગઝની દ્વારા ઘણીવાર હુમલાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ તે દરેક વખતે નિષ્ફળ જતો હતો. એ સમયે જૂનાગઢમાં કુંવર મહિપાલના દીકરી મીનળદેવી હતા. તે ભગવાન શિવમાં અપાર શ્રદ્ધા રાખતા હતા તેથી મુસ્લિમ રાજાઓથી શિવલિંગને બચાવવા માટે તેમણે શીવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને તેઓ ત્યાંજ શિવલિંગની પૂજા કરતા હતા.
વર્ષ 1457માં સોમનાથ પર આક્રમણ થયું હતું અને તેમને મીનળદેવીને સપનામાં આવીને કહ્યું હતું કે, શિવલિંગને પાલખીમાં લઇ જાવ. મહમદ જાફરને પણ જાણ થઇ કે, શિવલિંગ ભૂગર્ભમાં છે. આની જાણ થતા તરત જ તેને આક્રમણ કર્યું હતું. જેથી મીનળદેવી અને ઘેલો વાણિયો શિવની પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. તેઓ જયારે પાલખી લઈને દૂર પહોંચ્યા ત્યારે મહમદ જાફરને ખબર પડી કે, શિવલિંગ સોમનાથમાં નથી રહ્યું અને તેને પોતાનું સૈન્ય શિવજીની પાલખી પાછળ દોડાવ્યું હતું.
રસ્તામાં આવતા ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલીંગ બચાવવા માટે સૈન્ય સામે યુધ્ધે ચડ્યા. આમ સેન્ય શિવજીની પાલખી સોમનાથથી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અને આ રીતે અહીં શિવલિંગની સ્થાપના થઇ હતી.
આ મંદિરની સામેના જ ડુંગર પર મીનળદેવીએ સમાધિ લીધી હતી. ત્યાં હાલ મીનળદેવનું મંદિર પણ છે. આ યુદ્ધમાં ઘેલા વાણિયાનું માથું કપાઈ ગયું હતું, તેમ છતાં તેનું શરીર સાત દિવસ સુધી દુશ્મનોને લડત આપતું રહ્યું હતું. આ યુદ્ધમાં શિવલિંગના રક્ષણ માટે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.
યુદ્ધમાં જ્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગને ખંડિત કરવાનું વિચાર્યું પણ શિવલિંગ પર તલવાર મારતા જ શિવલિંગમાંથી ભમરા નીકળ્યા હતા જેને મહમદ જફરે તેના સૈન્યને ખતમ કરી નાખ્યું હતું.
ઘેલા વાણિયાનું માથું કપાઈ ગયું હોવા છતાં એનું ધડ શિવલિંગની રક્ષા કરવા જાફરના સૈન્ય સામે લાદ્યું હતું. જેથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું અને આ નદીનું નામ પણ ઘેલો રાખવામાં આવ્યું.
આ યુદ્ધમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતાં. લોકશાહી પહેલા આ મંદિરનો વહીવટ જસદણ દરબાર સાહેબ તરફથી થતો અને હાલ રાજકોટ જિલ્લા કલેકટર તેનો વહીવટ કરે છે. અહીં દર્શને આવતા ભક્તો માટે રહેવા માટેની સગવડ પણ કરવામાં આવી છે અને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ લાગે છે. અહીં બ્રાહ્મણોને ભોજન પણ કરાવે છે.
સરકાર અને ભક્તિ તરફથી અહીં આખું વર્ષ અન્નક્ષેત્ર પણ ચાલે છે. શ્રાવણ મહિનામાં અહી લોકમેળો ભરાય છે અને ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના મહાદેવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં એક એવી પરંપરા પણ છે કે, જ્યારે ઘેલા સોમનાથ મહાદેવની આરતી ચાલતી હોય ત્યારે મીનળદેવીની આરતી પણ કરવી પડે છે. જો મીનળદેવીના મંદિર તરફ આરતીનું ધુપેલિયું ન કરવામાં આવે તો એ આરતીનું ફળ મળતું નથી. આ ઉપરાંત જો તમે ઘેલા સોમનાથના દર્શન કરો પરંતુ મીનળદેવીના દર્શન ન કરો તો પણ તમારી યાત્રા અધૂરી ગણાય છે.
અહીં મહાદેવના દર્શન ગર્ભગૃહમાં જઈને કરવા હોય તો ભક્તે ફરજીયાત ધોતી પહેરવી પડે છે. અને જો જળ અભિષેક કરવો હોય તો શુદ્ધ પાણી પણ રાખવા આવે છે. જેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાતો નથી. સાથે જ તેઓ પ્રસાદ માટે પણ કોઈ ચાર્જ લેતા નથી.