ગુજરાતની પાવન ધરા પર આવેલ છે દેશનું સૌથી મોટું ગણેશજીનું મંદિર- દર્શન માટે લાગે છે ભક્તોની ભીડ

Published on: 3:06 pm, Fri, 10 September 21

આજથી એટલે કે, 10 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનાં તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે ત્યારે ગણેશોત્સવમાં દેશના કેટલાય ગણપતિ મંદિરોમાં ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ગણેશોત્સવ વખતે જુદા-જુદા ગણપતિ મંદિરમાં દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય રહેલું છે.

રાજ્યના અમદાવાદ પાસે આવેલ શ્રીગણેશ મંદિર ખાસ છે. આ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. મુંબઈમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરથી લાવવામાં આવેલ જ્યોત અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ માટે આ મંદિરનું નામ પણ સિદ્ધિવિનાયક રખાયું છે.

આ વિશાળ મંદિર તેની અદભૂત સ્થાપત્ય માટે ખૂબ જાણીતું બન્યું છે. આ મંદિર 6,00,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભગવાન ગણેશની મૂર્તિની વિશાળ પ્રતિકૃતિ તરીકે બનાવવામાં આવી છે. અમદાવાદ પાસે મહેમદાવાદ નજીક વાત્રક નદીના કાંઠે ગણેશજીનું શ્રી સિદ્ધિવિનાયક મંદિર આવેલ છે.

આ મંદિરની ઉંચાઈ 73 ફૂટ છે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી 25 કિમી દૂર આવેલ છે. મંદિર ખુલ્લુ મુકાયા પછી વર્ષે લાખો ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં ખુબ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે.

વાત્રક નદીના કાંઠે મહેમદાવાદમાં 9 માર્ચ, 2011 તેમજ ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ 14 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ તથા લોખંડ વપરાયું નથી પણ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે તેમજ એક જ શિલા પર તે ઉભુ કરાયું છે.

આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. 5 માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા તૈયાર કરાઈ છે. અહીં સત્સંગ માટે ખાસ સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે જ અન્ય પણ આકર્ષણો રહેલા છે. અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ અને ભોજનાલય તથા કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ રહેલી છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે કે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે કે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…