ભગવાનના ઘરેથી ગ્રીષ્મા વેકરીયાએ જણાવી પોતાની આપવીતી- સમય કાઢીને જરુર વાંચજો

7216
Published on: 3:31 pm, Mon, 14 February 22

હું ગ્રીષ્મા શાંતિથી બેથી છું. હું પણ તમારા જેવા દંભી જગતમાં અવતરી હતી. જેમાં મારી પાસે માત્ર એક કુટુંબ હતું, મારું ભણતર હતું અને સરસ મજાનું જીવન હતું. આપણા સુરતમાં જ્યાં પણ ગામ છે ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે તે જ રીતે લુખ્ખા તત્વોનો ત્રાસ ઘણા સમયથી હતો. મેં આ પહેલા એક વાર અનુભવ કર્યો હતો. પણ આ અનુભવ છેલ્લો હતો.

કોણ જાણે કોણે આ વેલેન્ટાઈન ડે ના દિવસો બનાવ્યા હશે..!! તેમાં એક લુખ્ખો ભરમાયો હશે, મારી ગુલાબ જેવી જીંદગીમાં ગાંડા બાવળનો એક કાંટો ફૂટી આવ્યો, તેણે મને પાછળથી પકડી ગળા થી દાબી, સામે ઘણા બધા પ્રેક્ષકો હતા, ચિચિયારીઓ, તમાશાની મજા, રહેમની ભીખો, મારા જીવનની પ્રાર્થનાઓ, આજીજીઓ વગેરે વગેરે….

હું રડી રહી હતી. બૂમો પાડી રહી હતી. મારી સામે ઉભેલા દરેક રડતા હતા. બૂમો પાડતા હતા. મને તેમની પાસેથી અપેક્ષા હતી. પરંતુ, તેઓને મારી પાછળ ઉભેલા લુખ્ખાથી વધુ આશા હતી. કાશ..!! સામે મારા મમ્મી, પપ્પા કે ભાઈ હોત તો મને બચાવી લેત અને જે સામે ઉભા હતા અને મને બચાવી ન શક્યા, તો લાનત છે આવા સંબંધો પર, જે બાપ કે ભાઈ પોતાની બહેન દીકરીને બચાવી ન શક્યો. ક્યાંકને ક્યાંક મને આશા હતી કે, આ લુખ્ખો આટલા બધા લોકો આગળ હિંમત નહીં કરે. પરંતુ મને ખબર નહોતી કે સામેવાળા લોકોમાં આ લુખ્ખા જેટલી પણ હિંમત નથી.

મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. થોડો ડર અને થોડીક આશા વચ્ચે મારુ મન ગાંડુ બની રહ્યું હતું. મારે જીવવું હતું એટલે સામે ઉભેલા નામર્દો આગળ મે વિનંતીઓ કરી હતી. પરંતુ, પાછળ ઊભેલો લુખ્ખો મને મારવા પર તુલ્યો હતો. હું જોઈ રહી હતી કે, ટૂંક સમયમાં મારું જીવન સીમિત થઈ જશે. છતાં મન ભરીને દુનિયા આગળ ભીખ માંગી લીધી. મને મારું બાળપણ યાદ આવતું હતું કે, મારા રડવા પર મમ્મી-પપ્પા ઉંચા નીચા થઇ જતા હતા.

આજે આ દુનિયામાં મને સાંભળનાર કોઈ નહોતું. હા… કેટલાક મશીન(મોબાઇલ) હતા. જે મારો અવાજ સાંભળતા અને મને જોતા હતા. તે જ મશીનો દ્વારા આજે મને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. શક્ય છે કદાચ એ જ મશીન દ્વારા મને ન્યાય મળે. મારા ગળામાંથી આવતો અવાજ અચાનક બંધ થયો. ત્યારે મને ભાન થયું કે મારું જીવન શાંત થયું. હું નીચે પડી. મારો શ્વાસ ચાલુ હતો. લોકો હજી બૂમો પાડી રહ્યા હતા. પેલો લુખ્ખો તમાકુંનો માવો ખાઈ પ્લાસ્ટિક મારા પર ફેંકી રહ્યો હતો.

મશીનો દ્વારા જોવાયેલ આ ઘટના વાયુવેગે વિશ્વમાં પ્રસરી ગઈ, ત્યારે ઘણા લોકોએ પહેલાની જેમ સરકારને વખોડી, માનવતાને વખોડી, સમાજને વખોડયો, ઘણાએ લુખ્ખાને વખોડ્યો અને વધુમાં વધુ તેને સજા માટે માંગ કરી. મારી સામે ઊભેલ લોકોને વખોડવાને બદલે ઘટનાનો તાગ મેળવવો. મને આમ પણ મારા પોતાના સિવાય બીજા પાસે આશા નહોતી. કારણ કે, આપણી વ્યવસ્થા કદાચ મને બચાવનાર પર દોષનો ટોપલો ઢોળી સજા આપતી.

પરંતુ કોઈએ મારી હાલત, મનોદશા, મારી આત્મા, મારું ગળું કપાયું, મારા જીવનની દયનીય હાલત, મારી જીવવાની આશા, મારા ગળા પર ચપ્પુનો ઘસારો, અણધારી આવેલ મોત, મારી છેલ્લી બૂમ વિશે કંઈ વિચાર ના કર્યો. ચાર દિવસ ઉધામા કરી, ફરી બીજી ગ્રીષ્માની રાહ જુઓ. પરંતુ એટલું ધ્યાન રાખજો, બીજી ગ્રીષ્મા તમારી બહેન દિકરી ના હોય. પેલા લુખ્ખા કરતાં વધારે લુખ્ખા તો તમે લાગ્યા. કેન્ડલ માર્ચ, રેલીઓ, આવેદનપત્ર કે ખોટા ખોટા મોટા લેખ લખ્યા વગર થોડીક વ્યવસ્થા સુધારજો. બાકી સમયનો કાંટો ફરી રહ્યો છે. આજે હું તો કાલે તમે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…