
સરકાર દેશના તમામ નાના મોટા ખેડૂતોને એક સાથે જોડવાની તૈયારી કરી રહી છે, જ્યાં તેમને ખેતી અને કૃષિ બજાર વિશે સમયસર માહિતી મળશે. આ સાથે ખેડૂતો પણ આ પ્લેટફોર્મ દ્વારા તેમના પાકનું વેચાણ કરી શકશે. આ પ્રોજેક્ટને એગ્રિસ્ટેક નામ આપવામાં આવ્યું છે.
સાત રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આ રાજ્યોના 799 ગામોમાંથી ખેડૂતો અને તેમની ખેતીની જમીન ની માહિતી એકત્રિત કરીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટને લઈને નિષ્ણાતોમાં ચિંતા છે કે કરોડો નાના ખેડૂતોનો ડેટા મૂડીવાદીઓના હાથમાં ન આવી જાય. ભારત સરકારનું કૃષિ મંત્રાલય ખેતીને સ્માર્ટ બનાવવા માટે એગ્રિસ્ટેક નામની ડિજિટલ સેવા શરૂ કરવા માટે આગળ વધી રહી છે.
ખેડુતોની આ સમસ્યા થશે દૂર
હાલમાં તેવી કોઈ સિસ્ટમ નથી, જેથી ખેડૂતો પાક ઉગાડતા પહેલા બજારમાં તેમના પાકની માગ વિશે જાણી શકે. જ્યારે સારો વરસાદ પડે ત્યારે બમ્પર પાકની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આવી સ્થિતિમાં અનેક વખત ખેડૂતોને જથ્થાબંધ ભાવોમાં મોટો ઘટાડો વેઠવો પડ્યો છે. તેથી જ ખેડૂતો હંમેશા તેમના પાકની ચિંતા કરતા હોય છે. આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે સરકાર આ પ્રોજેક્ટની શરૂઆત કરી રહી છે.
સરકાર ખેતી સાથે જોડાયેલી દરેક માહિતી એક એક ખેડૂત સુધી પહોંચાડશે.
એગ્રિસ્ટેકમાં બધા ખેડૂતોને એકમ ID આપવામાં આવશે, જે તેમના આધાર નંબર સાથે જોડવામાં આવશે. આ આઈડીમાં ખેડૂતોની જમીનની માહિતી હશે. જમીનની ઉપજ અને ઉગાડવામાં આવતા પાકની માહિતી પણ આમાં શામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી તમામ લાભ ખેડૂતોને પ્રાપ્ત થશે.