ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી: ધરોઈ ડેમમાં માત્ર પીવાલાયક પાણીનો જથ્થો જ બચ્યો

Published on: 5:27 pm, Mon, 26 July 21

ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં અત્યારે માત્ર પીવાલાયક પાણી જ બચ્યું છે. જેના પગલે આ પંથકના ખેડૂતોમાં ચિંતાઓ વધી છે. અત્યાર ના સમયમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદના પગલે અનેક નદીઓ અને ચેકડેમોમાં પાણી ભરાયા છે. જેથી આ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે.જોકે આ સમયમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ની અછત સર્જાઈ છે.જેના લીધે હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી છે કારણ કે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં હાલ માત્ર પીવા માટે પાણી બચેલું છે જેના પગલે આ પંથકના ખેડૂતો અને લોકો મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓ અને અનેક ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે. જો કે ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં આ વર્ષે હજુ સુધી સારો વરસાદ આવ્યો નથી. જેના લીધે ડેમમાં પાણીની આવક થઈ નથી.તેમજ હાલ ધરોઇ ડેમમાં સંગ્રહિત પાણીની સપાટીની વાત કરીએ તો ડેમમાં માત્ર 598 ફૂટે પાણીનો જથ્થો સંગ્રહિત છે.

જો કે આ પાણી આગમી દિવસોમાં લોકોને પીવા અને વપરાશ પૂરતું જ છે.જેના લીધે હાલ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો માટે સિંચાઇનું પાણી મેળવવાનો કોઇ સ્ત્રોત હાલ ઉપલબ્ધ નથી. જેના લીધે આ વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

અત્યારે ખેડૂતો માટે માત્ર વરસાદ જ આશા નું કિરણ છે.
ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના 700 ગામ અને 12 શહેરના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ત્રણ ફૂટનો અંતર ઓછું થઈ ગયું છે. જેથી ખેડૂતો વરસાદની આશા રાખીને બેઠા છે.