જામનગરના ખેડૂત ભાઈએ આ ખાસ પદ્ધતિથી ખેતી કરીને એક જ સિઝનમાં કર્યો ૩ લાખનો નફો- જાણો કેવી રીતે?

206
Published on: 12:20 pm, Sun, 1 August 21

હાલના આધુનિક સમયમાં ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે. એવું નથી કે, ફક્ત પુરુષો જ ખેતી કરે છે પણ મહિલાઓ પણ ખેતીમાંથી પુરુષો કરતા બમણી કમાણી કરી રહી છે ત્યારે હાલમાં આવી જ એક પ્રગતિશીલ ખેડૂતભાઈની કહાની સામે આવી છે.

રાજ્યમાં આવેલ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ જશાપર ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત પાકની સાથે બાગાયત ખેતીનો સફળ પ્રયોગ કરીને લાખોની કમાણી કરી બતાવી છે. ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી એક જ સીઝનમાં કુલ 3 લાખ રૂપિયાનો નફો મેળવીને દેશના તેમજ રાજ્યના ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

ડ્રેગનફ્રુટની ખેતીમાં ફક્ત એક વર્ષમાં જ ફળ આવે છે- ખેડૂત
પ્રગતીશીલ ખેડૂત જેન્તીભાઈ જણાવતા કહે છે કે, બાગાયતી પાકોમાં સામાન્ય રીતે તમામ પાકમાં ફળ 3 વર્ષ પછી આવતા હોય છે કે, જ્યારે ડ્રેગન ફ્રુટના પાકમાં ફક્ત 1 વર્ષમાં જ ફળમાંથી મળતી આવકની શરૂઆત થઈ જાય છે. વળી સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી બાજુ ઝુકાવ હોવાથી અમે આ પાકમાં રાજ્ય સરકારની સહાયથી સેન્દ્રીય ખાતરનો તથા ટપક સિંચાઇનો ઉપયોગ કરીએ છીએ.

ડ્રેગન ફ્રુટમાં સફળતા મળતા ખારેક તથા સીતાફળનું વાવેતર કર્યું:
ડ્રેગન ફ્રુટની ખેતીમાં સંપૂર્ણપણે ચોમાસા દરમિયાન 4-5 વખત ફળોનો ફાલ મળે છે. આ પાકમાંથી જયંતીભાઈ ફક્ત એક જ સીઝનમાં અંદાજિત આવક કુલ 3.25 લાખ જેટલો નફો મળી રહી છે. પ્રાયોગિક ધોરણે 2 વર્ષ અગાઉ કરેલી આ શરૂઆતમાં રાજ્ય સરકારની સહાયની સાથે હાલમાં 2 વીઘામાં ફક્ત ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવે છે.

આની સિવાયના ભાગોમાં પણ જેન્તીભાઈએ ટિશ્યૂકલ્ચર ખારેકનું વાવેતર કર્યું છે તો સીતાફળની નવી જાતનું પણ હાલ પ્રાયોગિક ધોરણે વાવેતર કરવામાં આવ્યું છે. આની સાથે જ તેઓ પોતાના ફળોની ગુણવત્તાનો જાતે ખ્યાલ રાખે છે જેના દ્વારા હાલમાં તેઓ ઓર્ગેનિક લાઇસન્સ તથા ફ્રુટ ક્વોલિટી લાઈસન્સની સાથે પોતાના ફાર્મ પરથી સીધું જ વેચાણ કરીને ઘર આંગણે જ અઢળક કમાણી કરી રહ્યા છે.

જેંન્તીભાઇને CM વિજય રૂપાણીના હસ્તે સજીવ ખેતીમાં પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવેલ છે. તેઓએ ડ્રેગન ફ્રુટના રોપાઓ માટે નર્સરીની શરૂઆત કરી હતી. આની સાથે જ​​​​​​​જેન્તીભાઈએ અન્ય ખેડૂત વિશાલભાઈની સાથે મળીને નર્સરીની પણ શરૂઆત કરેલ છે કે, જેમાં ડ્રેગન ફ્રૂટના 65,000 જેટલાં રોપાનું ઉત્પાદન કરીને સમગ્ર દેશમાં આ રોપાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સોનાના સૂરજની સવાર જોતા ખેડૂત જેન્તીભાઇ બીજા ખેડૂતોને પણ પરંપરાગત પાકોથી અલગ વિચારીને નવા પાકો, નવી ખેત પદ્ધતિઓના પ્રયોગો કરી સરકારના માર્ગદર્શન તથા આર્થિક સહાય મારફતે આધુનિક ખેતી બાજુ વળવા માટેનો સંદેશ આપે છે.

પ્રગતિશીલ જેન્તીભાઈ ફળદુને જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહીરભાઈ પટેલ દ્વારા પણ સરકારની નવી યોજનાઓ અંગે માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી એ જયંતીભાઈના ફાર્મની મુલાકાત લઇને રાજ્ય સરકારની યોજનાઓના લાભ સાથે આગળ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.