અમરેલીમાં વાવાઝોડાના 1 મહિના પછી પણ ખેડૂતોની સહાય પહોંચી નથી

Published on: 11:02 am, Thu, 15 July 21

રાજ્યમાં આવેલા વાવાઝોડાને એક મહિના કરતા વધુનો સમય વિતી ચૂક્યો છે, તેમ છતા અનેક લોકો ને હજુ સહાય મળી નથી. અમરેલી જિલ્લાના ખેડૂતો પણ હજુ સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. જેને લઈ ને  રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે સરકારમાં રજૂઆત કરી છે.

રાજુલા પંથકના ખેડૂતોને હજુ સુધી તાઉતે વાવાઝોડાની સહાય મળી નથી. નુકસાન બાદ સહાય ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે અમરીશ ડેરે સરકારની યોજનાઓમાં વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સાગરખેડુ યોજના પર પણ સવાલ કર્યા છે. આ પહેલા સરકારના જ પ્રધાન પુરષોત્તમ સોલંકી પણ સાગરખેડુ યોજના પર સવાલ કરી ચૂક્યા છે.

તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે 500 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. તો બાગાયતી પાકો ખરી જવાના કિસ્સામાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.29 હજાર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

સરકારના નિયમો પ્રમાણે કેટલી સહાય મળશે ?
રાજ્ય સરકારે પાકના નુકસાન માટે 500 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.બાગાયતી પાકોના વૃક્ષો મૂળ સહિત ઉખડી જવાના કિસ્સામાં હેકટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે.

ઝાડ ઉભા હોય અને પાક ખરી પડ્યો તો હેકટર દીઠ 29 હજાર રૂપિયાની સહાય મળશે.પાક ખરી પડ્યો હોય તે કિસ્સામાં વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.ઉનાળુ પાકને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેકટરની મર્યાદામાં હેકટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા તાઉ તે થી અસર પામેલા માછીમારો માટે રૂપિયા 104 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં, 24 કરોડ રૂપિયા સાગરખેડૂ માછીમારોની બોટ, ટ્રોલર, માછીમારીની જાળી વગેરેને થયેલા નુક્સાન અંગે રાહત સહાય બાબતે, તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે જાહેર કરવામાં આવ્યું છે. બન્ને મળીને કુલ રૂપિયા 104 કરોડનું આ રાહત પેકેજ હતું.