
હાલમાં ભગવાન શિવને અતિપ્રિય એટલે કે, શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ મહિનામાં કેટલાક લોકો શિવને રીઝવવા માટે કોઈને કોઈ વ્રત અથવા તો ઉપવાસ કરતા હોય છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને આપને ખુબ આનંદ થશે.
આ મહિનામાં શિવજીની પૂજાની સાથે-સાથે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે ત્યારે શિવ પુરાણ મુજબ શ્રાવણ માસમાં દાન કરવાથી તમામ પ્રકારના સુખ, વૈભવ તથા પુણ્ય મળે છે. ધર્મગ્રંથોના જાણકાર કાશીના પં. ગણેશ મિશ્રા જણાવે છે કે, શ્રાવણ માસમાં કોઇપણ વસ્તુનું દાન કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે.
આ મહિનામાં રૂદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળનો રસ તથા આંબળાનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે કરેલાં તમામ પાપ નષ્ટ થઈ જાય છે. આની સાથે જ, આ મહિનામાં વૃક્ષ વાવવાથી પિતૃ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. પં. મિશ્રાના જણાવ્યા મુજબ જે કોઈ વ્યક્તિને દાન કરવાથી આનંદ મળે છે, તેમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે.
રૂદ્રાક્ષ દાન કરવાથી સુખ અને ઐશ્વર્ય વધે છે:
શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક, શિવપુરાણ કથા વાંચવી-સાંભળવી તેમજ મંત્રજાપની સિવાય દાનનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે ત્યારે ચાંદીના સિક્કાનું દાન કરવાથી અથવા તો ચાંદીના બનેલાં નાગ-નાગણની મૂર્તિઓ શિવલિંગ ઉપર ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. શિવાલયોમાં વૈદિક બ્રાહ્મણને રૂદ્રાક્ષ માળાનું દાન કરવાથી સુખમાં વધારો થાય છે.
વિદ્યાદાન દીપદાન સમાન છે:
શ્રાવણ માસમાં નિયમિતપણે દીપદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. દીપ એેટલે જ્ઞાન-પ્રકાશ. પ્રકાશ ફેલાવવાની પ્રેરણા દીપ પૂજનમાં છે. જેનો અર્થ થાય છે કે, વ્યક્તિએ વિદ્યા દાનના ક્ષેત્રમાં પણ ઊતરવું જોઇએ કે, જેથી શિવજીની કૃપા મળી રહે છે. શ્રાવણ માસમાં બીલીપાન, શમીપાન તથા આંબળાના છોડ વાવવા પણ દાન કરવા સમાન જ છે.