
સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલીક અવનવી ધાર્મિક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. શિવ મંદિરમાં મોટાભાગનાં લોકો શિવલિંગ સામે બેઠેલ નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા હોય છે. આ એક પરંપરા બની ગઇ છે. આ પરંપરાની પાછળ એક માન્યતા રહેલી છે.
આ માન્યતાને લીધે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે:
એવી માન્યતા રહેલી છે કે, જ્યાં શિવ મંદિર હોય ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત હોવાથી જ્યારે પણ કોઇ વ્યક્તિ શિવ મંદિરમાં આવે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવતા હોય છે. આની પાછળ એવી માન્યતા રહેલી છે કે, ભગવાન શિવ તપસ્વી છે તેમજ તેઓ હંમેશાં સમાધિમાં રહે છે.
આવા સમયમાં તેમની સમાધિ તથા તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે, એ માટે નંદી જ લોકોની મનોકામના શિવજી સુધી પહોંચાડતા હોય છે. આ માન્યતાને લીધે લોકો નંદીને મનોકામના જણાવતા હોય છે. આ મનોકામના પૂર્ણ થતી હોય છે.
શિવનો જ અવતાર નંદી છે:
શિલાદ નામના એક મુનિ હતાં કે, જે બ્રહ્મચારી હતાં. વંશ પૂર્ણ થતો જોઇને તેના પિતૃઓએ તેમને સંતાન પેદા કરવાનું કહ્યું હતું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો હતો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપ્યું હતું.
એક દિવસ શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળી આવ્યું હતું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું હતું. એક દિવસ મિત્રા તથા વરૂણ નામના 2 મુનિ શિલાદના આશ્રમમાં આવ્યાં તો તેમણે કહ્યું કે, નંદી અલ્પાયુ છે. આવું સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો હતો. પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા તેમજ કહ્યું હતું કે, તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ડર કેવી રીતે હોઇ શકે? આવું કહીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો હતો.