ફાજલ પડેલ જમીનમાંથી ડીસાનાં ખેડૂતભાઈએ એક જ મહિનામાં કરી નાખી આખા વર્ષની કમાણી- જાણો કેવી રીતે?

Published on: 11:15 am, Thu, 9 September 21

દેશ-રાજ્યનાં અનેકવિધ ખેડૂતો ખેતીક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહ્યા છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક સફળતાની કહાની સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ રાણપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂત ખેતીમાં હંમેશાં અલગ-અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી છે.

આ ખેડૂતભાઈએ મગફળી તથા બટાટાની ખેતી વચ્ચેના 2 મહિનાના સમયમાં ડુંગળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો કે, જેમાંથી તેઓ વર્ષે 5થી 7 લાખ રૂપિયાની કમાણી કર રહ્યા છે કે, જેથી રાજ્યના ખેડૂતો માટે તેમણે નવી રાહ ચીંધી છે.

વર્ષ 2012માં સૂકી ડુંગળીના વાવેતરનો પ્રયોગ કર્યો
ખેડૂત કનવરજી વાધણિયાએ ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગ કર્યા છે તેમજ આ પ્રયોગની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાધણિયાની ખેત પદ્ધતિ અંગે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવાય છે તેમજ તેમના ખેતરની મુલાકાત લેવામાં આવે છે. કનવરજી વાધણિયાએ આવો જ એક પ્રયોગ વર્ષ 2012માં સૂકી ડુંગળીનું વાવેતર કરીને કર્યો હતો.

વર્ષે 700 કટ્ટા ડુંગળીનું વાવેતર કર્યું:
તેઓ જણાવે છે કે, વર્ષ 2012માં સૌપ્રથમવખત 1 વીઘા ડુંગળીની ખેતીમાંથી 50,000 રૂપિયાની ચોખ્ખી બચત થઇ હતી. ખુબ સારી આવક થતાં 100 કટ્ટાનું વાવેતર પણ કર્યું હતું. ધીમેં-ધીમેં ડુંગળીનું વાવેતર વધારતા ગયા તેમજ આગલા વર્ષે 700 કટાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ વખતે 500 કટ્ટાની હાલમાં ખેતી કરવામાં આવી છે. ખુબ સારી એવી બચત થશે એવી અમે આશા રાખીએ છીએ. અમે બટાટાના વાવેતરનો સમય આવતાં અગાઉ બીજીવખત 700 જેટલા કટ્ટા ડુંગળીનું વાવેતર કરીશું તેમજ બટાટાના સમય પહેલાં બે વાર ડુંગળી વાવીને કાઢી નાંખીશું.

સૌપ્રથમ વર્ષે વીઘામાં 50,000 રૂપિયાનો ફાયદો:
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી પણ કનવરજી વાધણિયા મગફળીની ખેતી કર્યા પછી બટાટાની ખેતી શરૂ થાય ત્યાં સુધીમાં 2 મહિનાનો સમય રહેતો હતો કે, જેથી તેમણે આ ફાજલ સમયમાં સૂકી ડુંગળીનું વાવેતર કરીને સૌપ્રથમ વર્ષે 50,000 હજાર રૂપિયાનો ફાયદો વિઘાદીઠ થયો હતો. ત્યારપછી કનવરજીએ દર વર્ષે વાવેતર વધારતા ગયા અને હાલમાં 700 કટ્ટા ડુંગળીની આવક મેળવે છે તેમજ વર્ષે ડુંગળીની ખેતીમાંથી 7 લાખની કમાણી કરે છે.

મહિનામાં આવક થઇ એટલી આખા વર્ષમાં થતી ન હતી:
આ અંગે કનવરજી વાધણિયા જણાવે છે કે, અગાઉ અમે ચીલાચાલુ ખેતી કરતા હતા. મગફળી, એરંડા તથા બાજરી જેવી ખેતી કરતા હતા. જો કે, એમાં વધુ ફાયદો થતો ન હતો. એકવખત અમે મગફળી વાવણી કર્યાં બાદ બટાટાની વાવણીની વચ્ચે દોઢ-બે મહિના જમીન કોરી પડી રહે છે. આ દરમિયાન સૂકી ડુંગળીની ખેતી શરૂ કરીને એક મહિનામાં જ સૂકી ડુંગળીમાં જેટલી આવક થઇ, તેટલી પહેલા ક્યારેય અમને આખા વર્ષમાં થતી ન હતી.

બટાટાની ખેતીમાં આ વર્ષે 7 લાખનો નફો થશે:
આ વર્ષ દરમિયાન 8 વીઘા જમીનમાં ડુંગળીની ખેતી કરવામાં આવી છે. ગયા વર્ષે એક વીઘા જમીનમાં એકવખતમાં 50,000 રૂપિયાનો નફો મળ્યો હતો. આ વર્ષે અમે બે વખત એક જ ખેતરમાં ડુંગળી વાવેતર કર્યું છે. બટાટાની ખેતીમાં આ વર્ષે 7 લાખ રૂપિયાનો નફો મળશે. ગયા વર્ષ કરતા આ વર્ષે બિયારણ સસ્તું હોવાથી વીઘાદીઠ 25,000નો ખર્ચ થયો હોવાનું કનવર વાધણિયાએ જણાવ્યું હતું.