ડેમનાં તળિયા દેખાઈ ગયા પણ તેમછતાં રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈ માટે આપશે પાણી

174
Published on: 3:11 pm, Fri, 13 August 21

આ વર્ષ દરમિયાન ચોમાસામાં વરસાદ ખેંચાવાને લીધે સમગ્ર રાજ્યના ડેમમાં પાણીનાં સ્તરમાં ઘટાડો નોંધાયો છે તેમજ ડેમનો જળ સંગ્રહ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 47.54% છે. નર્મદા તથા જળ સંસાધન, પાણી પુરવઠા તેમજ કલ્પસર વિભાગ દ્વારા બુધવારે આ અંગેની જાણ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં 200થી વધારે ડેમ તથા જળાશયોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના અડધાથી ઓછું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ઉભા પાકને થતું નુકસાન અટકાવવા કુલ 5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગ જણાવે છે કે, રાજ્યમાં વરસાદની અછત રહે છે. અત્યાર સુધીમાં નોંધાયેલ સામાન્ય વરસાદથી -45 ટકાની અછત રહેલી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 10 ઓગસ્ટની વચ્ચે સામાન્ય વરસાદથી -45 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ સમયગાળા માટે 458.8 mm સામાન્ય વરસાદની તુલનાએ રાજ્યમાં ફક્ત 252.7 mm વરસાદ નોંધાયો છે. સરકાર જણાવે છે કે, 207 ડેમમાંથી ફક્ત 5 ડેમ કાંઠે ભરાયા છે તેમજ તેમાંથી 4 ડેમ સૌરાષ્ટ્ર તથા એક દક્ષિણ ગુજરાતમાં છે.

ચાલુ ખરીફ સિઝનમાં કુલ 75,73,106 હેક્ટર જમીનમાં વાવણી પૂરી થઈ ગઈ હોવાને લીધે સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી પુરૂ પાડ્યા પછી 5 લાખ હેક્ટર જમીનમાં ડેમમાંથી ઉભા પાકને પાણી આપવાનું નક્કી કર્યું છે. આ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના 31.2% ની સાથે પૂર્વ-મધ્ય વિસ્તારોમાં 34.72% જયારે સૌરાષ્ટ્રમાં 33.8% અને કચ્છમાં 31.74% તથા ઉત્તર ભાગમાં 31.2% વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.