ચોમાસું પૂરું થવાને 52 દિવસ જ બાકી છે અને ગુજરાતના આ વિસ્તારોમાં હજુ પણ દુકાળ જેવી સ્થિતિ- જાણો ક્યારે થશે વરસાદ?

Published on: 11:44 am, Tue, 24 August 21

ચોમાસું પૂરું થવાને અંદાજે 52 દિવસ જ બાકી છે ત્યારે સમગ્ર રાજ્યના 12 તાલુકા એવા છે કે, જ્યાં 10 ઇંચથી ખુબ ઓછો વરસાદ થયો છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના 11 જૂન, વર્ષ 2021ના ઠરાવ પ્રમાણે જે તાલુકામાં સીઝનનો 10 ઇંચથી ખુબ ઓછો વરસાદ થાય અથવા તો 31 ઓગસ્ટ સુધીમાં જો કોઇ તાલુકામાં સતત 28 દિવસ સુધી વરસાદ ન નોંધાય તો એ તાલુકો દુષ્કાળગ્રસ્ત ગણાય છે.

આજની પરીસ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના 4, પાટણ જિલ્લાના 6 તથા બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકાના માથે દુષ્કાળનું સંકટ ઘેરાયું છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનું ચોમાસું સીઝનમાં વરસાદના 5 રાઉન્ડમાંથી 2 જ રાઉન્ડમાં ખુબ સારો વરસાદ થયો છે.

જ્યારે 3 રાઉન્ડ નિષ્ફળ જતાં સતત વરસાદની ખેંચ જણાઈ રહી છે. આની સાથે દુષ્કાળનાં એંધાણ પણ ખુબ પ્રબળ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં બનાસકાંઠામાં આવેલ સુઇગામ તાલુકામાં 40 દિવસથી વરસાદ ન થતાં દુષ્કાળગ્રસ્તમાં ધકેલાઇ ચૂક્યો છે.

બીજી તરફ, જો 31 ઓગસ્ટ સુધીમાં હજુ પણ વરસાદ ન આવે તો વધારે 17 તાલુકા દુષ્કાળમાં ધકેલાશે. અહીં નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના 4, પાટણ જિલ્લાના 6 તેમજ બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકા પર દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. પરંતુ જયારે ચોમાસાને 52 દિવસ જ બાકી છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ વરસાદ થવાનો બાકી છે અને ચોમાસું પૂરું થશે એ પહેલા મેઘરાજા આ દરેક વિસ્તારોમાં મેઘમહેર કરતા જશે.

આ 17 તાલુકામાં દુષ્કાળનું સંકટ:
મહેસાણા જીલ્લાના બહુચરાજી, જોટાણા, મહેસાણા, વીસનગર તથા પાટણ જીલ્લામાં સાંતલપુર, ચાણસ્મા, હારિજ, પાટણ, રાધનપુર, સરસ્વતી જયારે બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા, દિયોદર, લાખણી, થરાદ, વાવ, વડગામ, અમીરગઢ જળસંકટ જણાઈ આવ્યું છે.

દુષ્કાળગ્રસ્ત માટે 20,000 રૂપિયા ચુકવવાની જોગવાઈ:
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા પછી જે-તે વિસ્તારમાં ખેડૂતોને 60% પાક નુકસાન હોય તો 20,000 રૂપિયા તથા  60%થી વધારે નુકસાન થયું હોય તો 25,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ ચુકવણું એક ખેડૂતની  4 હેક્ટર જમીનની મર્યાદામાં કરવાનું થાય છે. જો કે, સિંચાઇ વિભાગ દ્વારા પિયત માટે કમાન્ડ એરિયાના ખેડૂતોને દુષ્કાળની સહાય મળવાપાત્ર રહેતી નથી.

સીઝનનો 10 ઇંચ વરસાદ ન થાય તો દુષ્કાળગ્રસ્ત:
ઉત્તર ગુજરાતના 12 તાલુકામાં દુષ્કાળનું જોખમ રહેલું છે. સમી 173 મિમી, ભાભર 113 મિમી, ધાનેરા 172 મિમી, કાંકરેજ 114 મીમી, ખેરાલુ 189 મિમી, સતલાસણા 155 મિમી, વડનગર 177 મિમી, ખેડબ્રહ્મા 195 મિમી, ધનસુરા 195 મિમી, માલપુર 195 મિમી, મેઘરજ 188 મિમી વરસાદ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.