
ભાવનગર: હાલમાં ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન પર્યાવરણ બચાવવું ખુબ જ જરૂરી થઇ ગયું છે. પર્યાવરણ બચાવવાનું ઝનૂન કેટલી હદે હોય છે તે જાણવું હોય તો દેશની અગ્રણી બ્રાન્ડ કાયમચૂર્ણવાળા ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠ કે જેમનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ રૂપિયાથી વધુ છે તેમને મળવું પડે. તેમણે છેલ્લા 10 વર્ષથી વૃક્ષો માટે અભિયાન છેડીને ભાવનગરને બેંગાલૂરૂ જેવું હરિયાળુ શહેર બનાવવા માટે ભેખ ધરી લીધો છે. જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં દેવેનભાઈએ એકલા હાથે ઝઝૂમીને 10000 જેટલા વૃક્ષોની ભેટ ભાવેણા નગરીને આપી છે. તેમણે ગુજરાતમાં ગાંધીનગર બાદ ભાવનગર શહેરને ગ્રીનસિટી બનાવવામાં સિંહફાળો આપ્યો છે.
વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે તેમની સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અભિયાનના બી બેંગાલૂરૂ શહેરની મુલાકાત દરમિયાન તેમના મનમાં વાવવામાં આવ્યા હતા. તે શહેરને જોઈને મનોમન નક્કી કરી લીધું કે, મારા શહેરને પણ આવું હરિયાળુ બનાવીશ. ત્યારે ભાવનગર કોર્પોરેશન દ્વારા 1111 લીમડાનું વૃક્ષારોપણ કરવામાં આવતા અને તેનું જતન નહિ થતાં જીવ કકળી ઉઠ્યો અને તેની જ્વાળાએ શહેરને આપ્યો પર્યાવરણનો પાક્કો દોસ્ત. આજે દસ વર્ષ થઇ ગયા હોવા છતાં પણ ધગશ લગીરેય ઓછી થઈ નથી.
જાણવા મળ્યું છે કે, પહેલા પોતાની એસયુવી કાર ઝાયલોમાં 40-40 કેરબા ભરી પોતે વાવેલા વૃક્ષોને પાણી પાવા નીકળતા હતા. ત્યારબાદ તેમાં 40 કેરબા ઓછા પડતા આજે સ્પેશિયલ વૃક્ષોના જતન માટે છોટા હાથી ટેમ્પો વસાવી લીધો છે. તેમાં 1500 લીટર પાણીની સિન્ટેક્ષની ટાંકી મુકવામાં આવી છે.
પર્યાવરણપ્રેમી દેવેનભાઇ શેઠ રોજ સવારે 4 વાગે ઉઠીને 1 કલાક યોગા પ્રાણાયમ કરીને સવારે 5 થી 8 છોટા હાથી ટેમ્પો લઇને વૃક્ષોને પાણી પાવા નીકળી પડે છે. તેઓ એક હાથમાં સ્ટીયરીંગ તેમજ એક હાથમાં પાણીની નોજર વડે વૃક્ષોને પાણી પાતા હોય છે. દર વર્ષે 5મી જૂને પર્યાવરણ દિવસ આવે છે. પરંતુ, દેવેનભાઈ શેઠ જેવા પર્યાવરણપ્રેમીઓ માટે દરરોજ પર્યાવરણ દિન છે અને તેમના જેવા વ્યક્તિઓને કારણે જ આજે વિશ્વનું પર્યાવરણ ટક્યું છે.