ગુજરાતમાં આ જગ્યાએ શ્રી કૃષ્ણએ ત્યાગ કર્યો હતો પોતાનો દેહ, જાણો રસપ્રદ કથા

Published on: 4:55 pm, Thu, 4 February 21

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું ભાલકા તીર્થ દ્વાપર યુગના સૌથી મોટા નાયક સંસારને ગીતાનું જ્ઞાન અને જીવનનું સત્ય જણાવનાર ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના છેલ્લા સમયની ગવાહી આપે છે. આ એ પવિત્ર સ્થાન છે જ્યાં સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ભાલકા તીર્થ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા જ્યોર્તિલિંગ સોમનાથથી ફક્ત 5 કિમી જ દૂર આવેલું છે. આ મંદિરમાં બનેલી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ તેમના અંતિમ સમયને દર્શાવે છે. આ સ્થળનું નામ ભાલકા તીર્થ પડ્યું તેની પાછળનું કારણ એ હતું કે, આ સ્થળ પર જ ભગવાન શ્રીકૃષ્ણને ભાલો વાગ્યો હતો.

ધાર્મિક માન્યતાઓ મુજબ આ જ જગ્યા પર ભગવાન શ્રીકૃષ્ણને જરા નામના એક પારધીના ભાલાએ ભેદી દીધા હતા અને તેમની સામે આજે પણ એ પારધીની બે હાથ જોડીને ક્ષમા માંગતી મૂર્તિ સ્થાપિત છે જે કૃષ્ણ પર ભાલો ચલાવીને પછતાઈ રહ્યો હતો. પરંતુ કૃષ્ણ તો અંતર્યામી હતા તેઓ સારી રીતે જાણતા હતા કે, હવે આ દુનિયાથી તેમનો જવાનો સમય આવી ગયો છે. ત્યારે જ તો ભાલો ચલાવનારા પારધીને માફ કરી દીધો હતો.

કહેવાય છે કે, જયારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે જરાએ માફી માંગી અને એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે તેને પોતાના પાછલા જન્મ એટલે કે, રામ અવતારની કહાની સંભળાવે છે. તેઓ કહે છે કે, ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું. પણ તેની પીડા જોઈને ભગવાન રામ દ્વારા બાલીને વચન આપવામાં આવ્યું હતું કે, તે આવતા જન્મમાં પારધી બનશે અને તેને જ તીરથી મૃત્યુ પામીને તેઓ પોતાના કર્મનું પ્રાયશ્ચિત કરશે અને બાલી જ આ જરા પારધી હતો જેના હાથે ભાલો વાગીને ભગવાન શ્રીકૃષ્ણ ઘાયલ થયા હતા. ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું.

બાણ વાગવાથી ઘાયલ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ભાલકાથી થોડે દૂર આવેલી હિરણ નદીને કિનારે પહોંચ્યા હતા. હિરણ નદી સોમનાથથી માત્ર 1.5 કિલોમીટર જ દૂર છે. કહેવાય છે કે, એ જગ્યા પર ભગવાન પંચતત્વમાં જ વિલીન થઇ ગયા. અહીં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે. જ્યા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દેહત્યાગ કરવામાં આવ્યો હતો. ત્યાંથી ભગવાન સીધા વૈકુંઠધામ ગયા હતા. પરંતુ હિરણ નદીને કિનારે આજે પણ ભગવાનના ચરણોના નિશાન છે અને એ દુનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થ નામથી પ્રખ્યાત છે. પરંતુ એ જગ્યાનું મહત્વ ઓછું નથી જ્યા પારધીએ હરણ સમજીને ભગવાન પર તીર ચલાવ્યું હતું. સમુદ્રના કિનારે આવેલી એ જગ્યાને બાણગંગા કહેવામાં આવે છે અને હવે સમુદ્રમાં આ જગ્યાએ અંદર શિવલિંગ બનેલું છે.

ભાલકા તીર્થ ભલે ભગવાન કૃષ્ણના અંતિમ દિવસોનું સાક્ષી હોય પરંતુ આજે પણ આ પવિત્ર સ્થાન ભક્તોની મનોકામનાઓ પૂરું કરતું એક ધાર્મિક કેન્દ્ર ગણાય છે. આજે પણ હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્ત રોજ અહીં આવે છે. માન્યતા છે કે, સાચા મનથી માંગેલી કોઈ પણ મનોકામના અહીં પૂર્ણ થાય છે. પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા માટે જ વારંવાર અવતાર લેવાવાળા ભગવાને આ જગ્યાએથી ભલે દુનિયા ત્યાગવાનું મન બનાવ્યું હતું પરંતુ તેઓના હોવાનો અહેસાસ આજે પણ ભક્તોના મનમાં છે. અને તેની ગવાહી આપે છે મંદિરમાં રહેલું હજાર વર્ષ જૂનું પીપળનું વૃક્ષ જે કદી પણ નથી સુકાતું. એવું કહેવાય છે કે, આ પીપળના ઝાડ નીચે જ ભગવાને અંતિમ શ્વાસ લીધા હતા.