કોરોનાકાળમાં પણ બનાસકાંઠાની આ મહિલાએ દૂધ વેચીને કરી કરોડોની કમાણી, 65 વર્ષની ઉંમરે સંભાળે છે 250 ગાયો ભેંસો

213
Published on: 12:17 pm, Thu, 5 August 21

પશુપાલનમાંથી અનેક મહિલાઓ દર મહીને લાખો રૂપિયાનો વ્યવસાય કરી રહી છે ત્યારે આવી જ એક જાણકારી સામે આવી છે. એશિયાની સૌથી મોટી એટલે કે, બનાસ ડેરીમાં યોજાયેલ સભામાં ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાનું સન્માન કરાયું હતું. પશુપાલનના આ વ્યવસાયમાં વડગામ તાલુકામાં આવેલ નગાણા ગામમાં રહેતી આ મહિલા વર્ષે લાખો નહીં, પરંતુ કરોડ રૂપિયાની કમાણી કરે છે.

નવલબેન ચૌધરીએ સૌથી વધારે દૂધ ભરાવનાર સૌપ્રથમ મહિલા તરીકેનો ખિતાબ પ્રાપ્ત કર્યો:
વડગામ તાલુકામાં આવેલ નગાણા ગામમાં રહેતાં નવલબેન ચૌધરીએ ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવનાર સૌપ્રથમ મહિલા તરીકેનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે કે, જેથી બનાસ ડેરી દ્વારા તેમને 25,000 રૂપિયાનું રોકડ ઇનામની સાથે જ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો અવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

દરરોજનું 1,200 લિટર જેટલું દૂધ વેચે છે:
આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ તેમજ નક્કર આયોજનની સાથે ખૂબ સરસ રીતે વિકસાવ્યો છે. થોડાં વર્ષો અગાઉ ફક્ત 20થી 25 પશુ રાખતાં નવલબેન હાલમાં 250 જેટલાં પશુ ધરાવે છે. તેઓ દરરોજનું 1,200 લિટર જેટલું દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે તેમજ દર મહિને 9 લાખ રૂપિયાની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે.

આ વર્ષ દરમિયાન એમણે 1,04,15,000 રૂપિયાનું દૂધ ભરાવીને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં દૂધ ભરાવવાનો ખિતાબ પ્રાપ્ત કરીને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનાં હસ્તે 25,000 નું રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવાય છે:
નવલબેનના ખેતરમાં પશુઓ માટે 2 પાકા શેડ બનાવી દેવામાં આવ્યા છે તેમજ પશુઓને શેડમાં 24 કલાક ખુલ્લા મુકવામાં આવે છે. પશુઓને પીવા માટેનું શુદ્ધ પાણી તેમજ ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની સુવિધા પણ કરી દેવામાં આવી છે.

પાકી ગમાણને કારણે ખોરાક બગડતો નથી. દરરોજ સવારમાં 9 વાગ્યે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવાય છે તેમજ તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે. આ દરમિયાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે એની માટે 5 એકર જમીનમાં લીલું ઘાસનું વાવેતર કરવામાં આવે છે. આટલાં બધાં પશુઓને એકસાથે દોહવા માટે 12થી 15 લોકોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે.

મહિને 10 લાખ જેટલો પગાર આવે છે:
નવલબેન ચૌધરી જણાવે છે કે, તમામ મહિલાઓને મારી ઈચ્છા છે બહેનો આવી રીતે ઢોર રાખે અથવા તો બીજો ધંધો કરે તો આપણો પરિવાર સુખી થાય. શરૂઆતમાં અમારા જોડે 20થી 25 પશુ હતાં, ધીમે-ધીમે કુલ 250 જેટલાં પશુ કર્યાં. ભેંસો દોઈ દોઈને મેં પશુઓ વધાર્યાં છે.

દિવસનું 1,200 લિટર દૂધ આજે પણ થાય છે. દર મહિને 10 લાખ જેટલો પગાર આવે છે. આ વર્ષે 1,05,00,000 રૂપિયા આવ્યા છે કે, જેને લીધે સૌપ્રથમ નંબર મળ્યો છે. બનાસડેરીમાં મને ખૂબ જ આનંદ થયો છે. ગામેગામ મારું નામ આવ્યું કે, જેથી મને ખૂબ જ આનંદ થયો છે. હજુ પશુઓની સંખ્યામાં વધારો કરવાની મારી ઈચ્છા રહેલી છે. મારી 65 વર્ષની ઉંમર છે, હાલમાં હું પોતે બધાં પશુઓનું ધ્યાન જાતે જ રાખું છું. મારા જોડે કામ કરવાવાળા લોકો છે, તેમને લીધે જ અમે આટલું કરી શક્યા છીએ.

હેલાં 20થી 25 પશુ હતાં, ધીરે ધીરે ૨૫૦થી વધુ પશુઓ થયાં:
નવલબેન ચૌધરીનો તબેલો સંભાળનાર ચંદુભાઈ જણાવે છે કે, નગાણા ગામનાં નવલબેન ચૌધરીના તબેલામાં 250 જેવાં પશુ રાખે છે. દરરોજનું 1,000 જેટલું લિટર દૂધ ભરાવીએ છીએ. અમારી એવી ઈચ્છા રહેલી છે કે, 1800થી 2000 લિટર દૂધ ભરાવીએ છીએ.

બનાસ ડેરીનો બનાસ લક્ષ્મી તરીકે અવોર્ડમાં નવલબેન ચૌધરીનો સૌપ્રથમ નંબર બનાસ ડેરીમાં આવવાથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. તબેલો જ્યારથી નવલબેને ચાલુ કર્યો હતો ત્યારથી અમે કામ કરીએ છે. પહેલાં ફક્ત 20થી 25 પશુ હતાં જયારે હાલમાં 250થી વધુ પશુઓ થયાં છે. અમે 15થી 20 માણસો કામ કરીએ છીએ.