
દેશના દૂરના ભાગોમાં ફળો અને શાકભાજી મોકલવાની સાથે હવે અન્ય દેશોમાં પણ નિકાસ વધી રહી છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધા મોદી એ પણ બિહારની લીચીનો ઉલ્લેખ કર્યો હતો. ખેડૂતો કેવી રીતે તેમનું ઉત્પાદન અને વેચાણ કરી સન્માનજનક જીવન જીવી રહ્યા છે. ખેતીના આ બદલાવ સાથે એક નવો અધ્યાય શરૂ થયો છે. દેશના મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડ્રેગન ફ્રૂટને પ્રથમ વખત નિકાસ કરી દુબઈ મોકલવામાં આવેલ છે.
ડ્રેગન ફ્રૂટની ઘણી જાતો છે
હાલ ડ્રેગન ફ્રૂટની ખેતી કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં થાય છે. તેની ખેતી માટે ઓછા પાણીની જરૂર પડે છે અને જુદા-જુદા પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. ડ્રેગન ફળની મુખ્ય ત્રણ જાતો છે, સફેદ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ, લાલ પલ્પવાળું ફળ, ગુલાબી રંગનું ફળ અને સફેદ પલ્પ તથા પીળા રંગનું ફળ.
ભારતમાં પ્રથમ ઉત્પાદન 1990 થી શરૂ થયું
1990 ના દાયકાની શરૂઆતમાં ભારતમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતું. હાલ વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી રહી છે. બજારમાં ડ્રેગન ફ્રૂટની માગ વધતા ખેડૂતો તેની ખેતી તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે.
એપેડા કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા માટે માળખાગત વિકાસ, ગુણવત્તા વિકાસ અને બજાર વિકાસ પર વધારે ભાર મૂકે છે. આ ઉપરાંત વાણિજ્ય વિભાગ વિવિધ યોજનાઓ જેવી કે નિકાસ યોજના માટેના વ્યવસાયિક માળખાગત સુવિધાઓ, બજાર વપરાશ વગેરે દ્વારા પણ નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સરકાર બાગાયતી પાક દ્વારા ખેડૂતોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જેક ફ્રૂટ, લીચી જેવા પાકની નિકાસ બાદ અનેક જાતની કેરીની નિકાસ પણ કરવામાં આવી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી ગુજરાત અને ભારત સિવાય વિશ્વના ઘણા દેશોમાં મોકલવામાં આવે છે. આ વર્ષે ૯૦ ટન કેસર કેરીની નિકાસ ઇટલી સહિત યુરોપિયન દેશોમાં થવાની સંભાવના છે. તાલાલા-ગીરથી તાજેતરમાં ઇટલીમાં 12 ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે.