
સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે ત્યારે રાજ્યમાં આવેલ વડોદરાના ડેસર પંથકના ખેડૂતોમાં મેઘરાજાના રીઝવવા માટેની અનોખી પરંપરા છે. એક લોકવાયકા પ્રમાણે ગામે ગામને હિલ્લોળે ચઢાવીને હલ્લેક હલ્લેકના પોકાર કરીને ઘરે-ઘરે અનાજ માંગીને પશુ-પક્ષીઓને ખવડાવવાથી દેવ રિઝાય ત્યારે તેઓ મેઘરાજાને જગાડે છે.
અનાજ અને લોટ પશુ-પક્ષીઓને ખવડાવે છે:
જિલ્લાના ડેસર તાલુકામાં આવેલ જાંબુગોરલ ગ્રામ પંચાયતના કેવડા માતાના મુવાડાના ખેડૂતોએ છેલ્લા 2 દિવસથી તાલુકો હિલ્લોળે ચઢાવ્યો છે. ખેડૂતો દરરોજ સાંજે 7 વાગ્યાના સુમારે એકત્ર થઇને જોરથી હલ્લેક હલ્લેકની બૂમો પાડીને અનોખી વેશભૂષા ધારણ કરીને 5 ગામમાં ફરે છે તેમજ ઘરે-ઘરે જઈને અનાજ માંગે છે. આ અનાજ પશુ-પક્ષીઓને ખવડાવે છે.
વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો:
છેલ્લા થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો નથી ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. મોંઘા બિયારણ લાવીને સખત મજૂરી કર્યાં પછી વાવણી કરી હોવાને લીધે પાક નિષ્ફળ જશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ડાંગર, કપાસ, તુવેર, તલ, તમાકુ, મરચી, દિવેલા, શાકભાજી સહિત કેટલાક પાક વરસાદ ન વરસે તો નિષ્ફળ જશે એવું લાગી રહ્યું છે.
ખેડૂતો ગામેગામ ફરીને મેઘરાજાને મનાવવાના પ્રયાસ કરે છે:
છેલ્લા 2 વર્ષથી કોરોનાએ ગામના ગ્રામજનો તેમજ ખેડૂતોની કમર કસી નાખી છે, જેમાંથી કળ હજુ વળી નથી ત્યારે કુદરતે પડતા ઉપર પાટુ મારીને વરસાદમાં વિલંબ કરતા રાત્રિમાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે તેઓ બાપ-દાદાઓના ચીંધેલા માર્ગે દેવોને મનાવવા માટે હિલ્લોળે ચઢ્યા છે. દેવોને જગાડવા માટે હલ્લેક હલ્લેકના પોકાર કરીને ગામોગામ ફરીને મેઘરાજાને મનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
દાયકા અગાઉ મેઘરાજાને મનાવતા મુશળધાર વરસાદ થયો હતો:
લક્ષ્મણભાઈ ભઇજીભાઇ પરમાર કહે છે કે, દાયકા પહેલા આ પ્રમાણેનું વાતાવરણ થતાં મેઘરાજાને મનાવવાની શરૂઆત અમારા ગામથી થઈ હતી. ત્યારબાદ ગામના ખેડૂતોને પ્રેરણા મળતા જાગૃત થઇને મેઘરાજાને મનાવવા માટે નીકળી ગયા હતા. ફક્ત 30 કલાકમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ચઢી આવતા મુશળધાર વરસાદ આવ્યો હતો.
ભગવાન પર ભરોસો રાખી ખેડૂતો નીકળ્યા છે:
15 ઓગસ્ટથી શરૂઆત કરેલ આ અભિયાનમાં ખેડૂતો મહીજીના મુવાડા, જાંબુગોરલ, બારીયાના મુવાડા, બૈડપ, દાજીપુરા અને કુનપાડ જેવા ગામોમાં ફર્યા છે. વરસાદ આવશે તેવી અપાર શ્રદ્ધા રાખીને ખેડૂતો ધુળાભાઇ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ જામ્બુગોરલ લક્ષ્મણભાઈ પરમાર, અર્જુનભાઈ રાઠોડ, કલ્પેશભાઇ રાઠોડ, ભરતભાઈ પરમાર, રતિલાલ પરમારની અધ્યક્ષતામાં ભગવાન ઉપર ભરોસો રાખીને નીકળ્યા છે.