તૌકતે વાવાઝોડાના કારણે નુકશાન થતા ખેડૂતો માટે નવું એક આશાનું કિરણ, આંબા પરથી ખરી ગયેલી કેરીઓ માંથી આવી રીતે ઉભું કરાશે વળતર

Published on: 6:09 pm, Thu, 27 May 21

આપણે ગુજરાતી માં એક કહેવત છે કે, દૂધ બગડી જાય તો એ જ લોકો રડે છે, જેને છાશ બનાવતા નથી આવડતું, પરંતુ મુશ્કેલીના સમયે સુધબુધ થી અને કઈક નવા રસ્તા અપનાવીને આફતને પણ અવસરમાં પલટી દે તે જ આ ‘ગુજરાતી’. હાલમાં કઈક આવી જ પરિસ્થિતિ તૌકતે વાવાઝોના લીધેથી ઉભી થઇ છે, વાવાઝોડાને કારણે આંબા પરની લગભગ 90 ટકા કેરીઓ ખરી પડી હતી, જેથી ખેડૂતોને પાણીના ભાવે વેચી દેવાની ફરજ પડી હતી. પણ  નવસારીના એક ખેડૂતોએ પોતાના સુધબુધથી એવું નક્કી કર્યું કે, ખરી ગયેલી કેરીમાંથી અથાણાં, મુરબ્બો અને કેરીનો પાઉડર બનાવીને વેચાણ કરવું. જેથી કેરીના વેચાણનું નુકસાન અડધું થાય અને એકાદ લાખની કમાણી થાય એવી શક્યતા છે.

વાવાઝોડાના આંબા પરથી કેરીઓ ખરી પડી
ભૌનીતાબહેન પટેલ એક મહિલા ખેડૂત છે. જે નવસારી તાલુકાના બોરિયાચ ગામમાં ઓર્ગેનિક ખેતી કરે છે. આ ઓર્ગેનિક ખેતી દ્વારા આંબા, ચીકુ, અને શેરડીનું વર્ષોથી વાવેતર કરે છે. અને તેના પરિવારના સાતેક સભ્યો ની મદદથી 55 જેટલા આંબા માંથી દર વર્ષે લગભગ 25 મણ થી વધુ કેરીનું ઉત્પાદન કરે છે. ઓર્ગેનિક રીતે પકવેલી કેરીનો ભાવ સારો મળતો હોવાથી દર વર્ષે કેરીમાંથી તેમને અઢી લાખ રૂપિયાની આવક થતી હતી. જોકે આ વર્ષે આવેલા ભારે વાવાઝોડાને કારણે તેમના આંબાની 90 ટકા જેટલી કેરીઓ ખરી પડી હતી, જેથી તેમને બે લાખથી વધુનું નુકસાન સહન કરવાનનો વારો આવ્યો હતો.

આ વખતે સારો પાક આવે તેમ હતો
ભૌનીતાબહેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ પોતાના ગામમાં બાગાયતી પાકની ખેતી કરે છે, જેમાં કેરી, ચીકુ અને શેરડી જેવા પાકો નું ઉત્પાદન કરવામાં આવે છે. આ વખતે આંબાના ઝાડ પર સારું ફલાવરિંગ આવતા તેમને સારા પાકની આશા હતી, પરંતુ તેની આશા નિરાશામાં ફરી વળી. શરૂઆતના દિવસોમાં કેરીનો પાક સારો ઉતર્યો હતો અને ભાવ પણ સારા મળ્યા હતા. ત્યારબાદ તૌકતે વાવાઝોડાએ કેરીના પાકમાં વિનાશ સર્જ્યો હતો.

કેરી ખરી જતાં ભારે નુકસાન
રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ ખેડૂતની આશામાં પાણી ફેરવી નાખ્યું છે. ભારે વાવાઝોના કારણે આંબા પર ની કરી અગાઉ જ ખરી જતા, તેનું મુલ્ય ઓછુ થઈ ગયું છે. મોટા ભાગના ખેડૂતને ભારે નુકશાન ભોગવવાનો આવો આવ્યો અને અભણ ખેડૂત કે જેને ઓર્ગેનિક ખેતીની સમજ ના હોઈ તેવા ખેડૂતએ કેરી ફેકી દેવા અથવા પાણીના ભાવે વેચી દેવા મજબુર બન્યા છે. આવા સમયમાં ભૌનીતાબહેન પટેલ એ હાર માન્યા નહી અને ભારે પવનથી ખરી ગયેલી કેરીમાંથી વિવિધ પ્રકારનાં અથાણા, ચિપ્સ, આમચૂર પાઉડર વગેરે જેવા પદાર્થ બનાવી નવસારી જિલ્લા અને આસપાસનાં ગામોમાં આવેલાં ખુલ્લાં બજારોમાં વેચવાનું શરૂ કરી દીધું હતું.

કૃષિ યુનિવર્સિટીએ મદદ કરી
નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા જિલ્લામાં થયેલા નુકસાનને એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને થયેલા નુકસાનને સરભર કરવા માટે નવા પ્રયોગોનું સૂચન કરવામાં આવ્યું હતું. સેમિનાર દ્વારા ખેડૂતોને એકત્ર કરી તમામ પ્રકારની માહિતીઓ કૃષિ યુનિવર્સિટીએ પૂરી પાડી હતી, જેમાંથી પ્રેરણા લઇને આ મહિલા ખેડૂતે કાચી કેરીમાંથી અથાણાં અને અન્ય વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી છે. પરિવારના સભ્યો દ્વારા ખરી ગયેલી કેરીમાંથી વિવિધ પ્રકાર અથાણાં જેવી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. આવું તેઓ પ્રથમવાર કરતાં હોવાનું  જણાવ્યું છે.

નવા પ્રયોગોએ નુકસાન હળવું કર્યું
ભૌનીતાબહેન પટેલે ને જણાવ્યું હતું કે, અમારે કેરીના પાકની આવક શૂન્ય થઈ જાય એવી સ્થિતિ હતી. આવા ભારે નુકશાનને કારણે ખેડૂતોની ઊંઘ પણ બરબાદ થઈ જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ નવસારી યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિવિધ પ્રોડ્ક્ટ બનાવવાની તાલીમ અને માર્કેટિંગની તાલીમ આપવામાં આવી છે, જેથી અમારે નુકસાન અડધું થઈ જતાં અમને રાહત મળી છે.