
હાલમાં મહિલાઓ તમામ ક્ષેત્રમાં આગળ નીકળી ચુકી છે. કોઈપણ ક્ષેત્ર હોય એમાં મહિલાનું સ્થાન અગ્રેસર થઈ ચુક્યું છે. ખેતીક્ષેત્રમાં પણ મહિલાઓએ પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. લતાબેન પટેલ એક એવી મહિલા છે કે, જેણે શારીરિક અંતરાઈ હોવા છતાં પણ મક્કમ નિર્ધાર તથા ધગશ થકી સફળતા મેળવી છે.
આટલું જ નહીં અનેક લોકો માટે આજે ઉદાહરરૂપ બન્યાં છે. સુરતમાં આવેલ ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના વતની લતાબેન પટેલ દિવ્યાંગ છે. એકમાત્ર સંતાન હોવાને લીધે તેમને પરિવારના વારસાની કુલ 20 વીઘા વેરાન જમીન મળી હતી. આ બિનઉપજાઉ જમીનમાં અત્યાર સુધીમાં કશું જ પાકતું ન હતું.
લતાબેને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક ખેતીની તાલીમ લીધા બાદ 10,000 રૂપિયા ઉછીના લઈને ખેતીની શરૂઆત કરી હતી. સતત 3 વર્ષ સુધી નિષ્ફળતા મળી હોવા છતાં લતાબેન હિંમત હાર્યા ન હતા. ખેતીની શરૂઆત કર્યાના 2 વર્ષ બાદ તો તેમના પતિનું અવસાન થયું હતું.
આકરી મહેનત તથા ધગશને લીધે છેવટે તેમને સફળતા મળવા લાગી હતી. એક પગમાં તકલીફ હોવા છતાં તેઓ હિંમત હાર્યા ન હતાં. લતાબેને ઓર્ગેનિક ફાર્મિંગ કર્યું હતું. હાલમાં તેઓ વર્ષે 22 લાખ સુધીનો પાક લે છે તથા હવે તેઓ 100થી વધારે ખેડૂતોને સાંકળીને સહકારી મંડળીની શરૂઆત કરવા માટે જઈ રહ્યાં છે.
તેમણે એક ગાયથી શરૂઆત કરી હતી. હાલમાં તેમની પાસે કુલ 15થી વધુ ગાયો છે. ખાતર બનાવવા માટે તેમણે ગાયો રાખવાની શરૂઆત કરી હતી.
હવે અન્ય ખેડૂતોની સાથે મળીને ઓર્ગેનિક ફૂડની બ્રાન્ડ બનાવવાનું સપનું:
ખેતીમાં સફળતા મળ્યા પછી લતાબેને હવે આજુબાજુના ખેડૂતોની સાથે મળીને પોતાની ઓર્ગેનિક ફૂડ બ્રાન્ડ બનાવવાની તૈયારી કરી છે. જેમાં 100% ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સામેલ કરવામાં આવશે. આટલું જ નહીં અહીં પાકતા શાકભાજી, ફળો અને અનાજને પેક કરવા માટે પેકેજિંગ તથા એસેમ્બલી લાઇન પણ શરૂ કરવાની તેમની યોજના રહેલી છે. અહીં પાકતી ચીજવસ્તુઓને સુરત, વડોદરા અને અમદાવાદ મોકલવામાં આવશે.
200માં 1 લાખનો પાક તૈયાર કરે છે:
લતાબેનને 1 વીઘા જમીનમાં ખાતર, જંતુનાશક બનાવવા માટે લગભગ 200 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેઓ ગૌમૂત્ર, છાસ, આદુ તથા અન્ય સામગ્રીની મદદથી ખાતર બનાવે છે. વીઘાદીઠ 200 રૂપિયાના ખર્ચમાંથી તેઓ 1 લાખ રૂપિયાનો પાક મેળવે છે.