ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ: ડાંગ જિલ્લાનું સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ

182
Published on: 10:29 am, Sat, 4 June 22

આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. જાણવા મળ્યું છે કે, આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

આ વખતે સુબીર, છાપી, અલારસા કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ડભોઈનું માત્ર 56.43 ટકા પરિણામ હતું. જ્યારે એક શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું હોય. 1064 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.

ક્રિશા શાહ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મારે 87.77 ટકા આવ્યા છે. કોરોના હતો છતાં અમે મહેનત કરી હતી. ધાર્યા કરતાં ઓછું પરિણામ છે. પરંતુ, હું પરિણામથી ખુબ જ ખુશ છું. હવે આગળ હું MBA કરીશ. આશા પંડ્યા નામની 12 કોમર્સની શિક્ષિકાએ જણાવ્યું હતું કે, આ વર્ષે પરીક્ષા સરળ રહી હતી. પરિણામ પણ અગાઉ કરતાં ખૂબ જ સારું આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, પાર્શ્વ શાહ નામનો વિદ્યાર્થીને સ્ટેટમાં 100, એકાઉન્ટમાં 96, અર્થશાસ્ત્ર 96, વાણિજ્યમાં 98 માર્ક્સ આવ્યા છે. હવે આગળ આઇટી ફિલ્ડમાં જઈને કરિયર બનાવવું છે. અમદાવાદ શહેરનું 79.87% અને ગ્રામ્યનું 81.92% પરિણામ જાહેર થયું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 101 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

રાજકોટ જિલ્લાનું 88.72% પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા પરિણામ વાંગધરા કેન્દ્રનું અને સૌથી ઓછું 0 ટકા રિઝલ્ટ છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2558, B1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થીઓ, B2માં 4876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થીઓ, D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ છે. સુરત બાદ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ છે.

સુરત જિલ્લાનું 87.52% પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં A-1 ગ્રેડ સાથે સુરતમાં સૌથી વધુ 643 વિદ્યાર્થીઓ છે. સુરત જિલ્લાના સારા પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં પરિણામ જોઈને સાફા પહેરીને ગરબા કર્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું કે કોરોના લોકડાઉન બાદ પ્રથમ વખત પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમને આટલી સારી સફળતા મળી છે.

રાજ્યમાં વડોદરાનું પરિણામ સૌથી ઓછું 76.49 ટકા આવ્યું છે. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછું 56.43 ટકા પરિણામ આવ્યું છે. શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ જ્યારે વડોદરા મધ્યસ્થ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…