જમીન કે માટીનો ઉપયોગ કર્યાં વિના વડોદરાના 7 મિત્રોએ મળીને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી કરી સફળ ખેતી

Published on: 4:47 pm, Mon, 17 May 21

હાલમાં દેશના ખેડૂતો પ્રગતીશીલ બન્યાં છે. ખેતી કરવા માટે સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ જમીન છે પણ વડોદરા શહેરના 7 ઉદ્યોગ સહાસિક યુવકોએ આલમગીરમાં માટી તેમજ જમીન વિના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શાકભાજી માત્ર પોષણયુક્ત પાણીના ઉપયોગથી ઉગાડવાની શરૂઆત કરી છે.

આલમગીરના પ્રયોગથી ગ્રીન્સ ફાર્મમાં જંતુનાશકો, દવાઓ અથવા તો રસાયણોનો ઉપયોગ થતો નથી. આની સાથે-સાથે જ શાકભાજી ઉગાડવા માટે ઇઝરાયેલમાં ઉપયોગમાં લેવામાં આવતી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીન્સ ફાર્મ સચિન પટેલ, શ્રીનીલ શાહ, ઇશાન, જયેશ, અક્ષય, શ્વેતા તથા સંજુ સહિત 7 ઉદ્યોગ સહાસિકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

હાઇડ્રોપોનિક્સમાં 45 દિવસે પાકનું ઉત્પાદન થાય:
હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ અંગ્ર જાણકારી આપતા સચિન પટેલ જણાવે છે કે, જેવી રીતે હવા, પાણી તેમજ જમીનનાં પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે તે મુજબ ભવિષ્યમાં એવી સ્થિતી આવશે કે, જ્યારે લોકો પાસે ખેતી કરવા માટે ફળદ્રુપ જમીન નહી હોય. જેથી ભવિષ્યમાં ઓર્ગેનિક શાકભાજી માટે આવાં પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી બનશે.

જેથી અમે ભવિષ્યનું વિચારીને અત્યારથી જ આ પદ્ધતિ અપનાવી છે. સામાન્ય ખેતીમાં 4 થી 5 મહિને પાકમાં ઉત્પાદન આવે છે જ્યારે, આ પદ્ધતિથી શાકભાજી ઉગાડવાથી પાક ફક્ત 45 દિવસમાં મળી રહે છે. આ પદ્ધતિમાં પાણી તેમજ જરૂરી પોષક તત્વો પૂરા પાડી સ્ટેન્ડ પર શાકભાજી ઉગાડવામાં આવે છે.

11,000 sq.ftમાં દર મહિને 3,000 કિલોનું ઉત્પાદન થાય છે:
હાઇડ્રોપોનિક્સ પ્લાન્ટમાં 6,000 સ્કવેરફિટમાં કુલ 9,400 છોડનું વાવેતર કરવામાં આવ્યું છે કે, જેમા ફક્ત એક દિવસમાં 350 લિટર પાણીની જરૂરીયાત પડે છે. છોડને પાણી PVC પ્લાન્ટ મારફતે પહોચાડવામાં આવે છે તેમજ પ્લાન્ટમાં અલ્ટ્રા વાયોલેટ રેયઝ વગરનાં સૂર્ય કિરણો પહોચાડવામાં આવે છે.

આની સાથે જ ગ્રો બેગ પ્લાન્ટમાં 5,600 સ્કવેરફિટમાં કુલ 1700 છોડનું વાવેતર કરવામાં આવ્યું છે કે, જેમા ફક્ત 1 દિવસનું કુલ 700 લિટર પાણીની જરૂરીયાત પડે છે. આની સાથે જ દર મહિને 3,000 કિલોનું ઉત્પાદન મળી રહે છે. જયારે હાલમાં ચેરી ટોમેટો, કુકુંબર, ઝૂકિની અને બ્રોકોલીનું વાવેતર કરવામાં આવ્યું છે.