
હાલના સમયમાં મહિલાઓ પણ કોઈને કોઈ ઘરગથ્થુ અથવા તો અન્ય કોઈ વ્યવસાયમાંથી આવક મેળવતી થઈ છે ત્યારે એક જાણકારી સામે આવી છે. રાજ્યમાં ડાંગ જિલ્લામાં આવેલ નડગખાદી ગામમાં અત્યાર સુધી બેકરી પણ ન હતી જ્યાં ગામની 10 મહિલાઓએ મળીને એક NGOની મદદથી ‘અપના બેકરી’ ની શરૂઆત કરી સફળતા મેળવી છે.
નાના એવા ગામની આદિવાસી મહિલાઓે જે વ્યવસાયનું કોઈ જ્ઞાન અથવા તો અનુભવ ન હોવા છતા NGOની મદદથી તાલીમ મેળવીને આજે રાગીમાંથી અનેકવિધ બેકરી આઈટમ બનાવીને નફો મેળવતી થઈ છે ત્યારે સમગ્ર જિલ્લામાં ‘અપના બેકરી’ શરૂ કર્યાનું ચોથું વર્ષ છે, ત્યારે આ સમય દરમિયાન આ મહિલાઓ સામે કેવા કેવા પડકારો આવ્યા તે પણ જાણવું ખુબ રસપ્રદ છે.
સિલાઈ કામની ઈચ્છા ધરાવતી મહિલાઓએ બેકરીની શરૂઆત કરી:
‘રિદ્વિ સિદ્વિ સ્વયં સહાય’ ગ્રુપની મહિલાઓ વર્ષ 2011થી એકબીજાને ઓળખતી થઈ હતી તેમજ મહિનામાં ઓછામાં ઓછી એેકવખત સામૂહિક બચત માટે ભેગી થતી હતી. આ સહાયતા સમૂહની રચના સરકારની સખીમંડળ યોજના અંતર્ગત કરવામાં આવી હતી. એક ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં આગાખાન NGO દ્વારા ગ્રામીણસ્તરના વ્યવસાય અંગે માહિતી આપવામાં આવી હતી.
ગામની મહિલાઓને વ્યવસાયની વાતમાં રસ પડતા તેમણે વધુ જાણકારી માટે NGOનો પુન:સંપર્ક કર્યો હતો. આ મહિલાઓની રુચિને જોતા તેમને માહિતગાર કરવા માટે અન્ય સફળ ગ્રામીણ ઉદ્યોગોની મુલાકાતનું આયોજન કરાયું હતું. આ મુલાકાત પછી મહિલાઓએ પ્રારંભિક સ્તરે સિલાઇ કામની શરૂઆત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
5.50 લાખ રૂપિયાના ખર્ચે બેકરી શરૂ કરી:
સૌપ્રથમ જ્યાં બેકરીની શરૂઆત કરવાના હતા તે કાચા ઘરનું સમારકામ કરીને બેકરી માટે જરૂરી મશીનની ખરીદી કરવામાં આવી હતી. આ બેકરીની શરૂઆત કરવામાં કુલ 5.50 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો કે, જેનો 80% ખર્ચ આગાખાન NGO દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આની સાથે જ 20% ખર્ચ મહિલાઓએ ઉઠાવ્યો હતો. આ વ્યવસાયની સ્થાપના કર્યા પછી આ મહિલાઓના ગ્રૂપને કુલ 15 દિવસની તાલીમ પણ અપાઈ હતી. શરૂઆતમાં રો-મટિરિયલ ખરીદીમાં ખુબ મુશ્કેલી ઉભી થતી હતી. કારણ કે, આ મહિલાઓ ન તો પ્રોડક્ટસના ભાવથી જાણકાર હતી કે ન તો શહેરના બજારો અંગે વધુ જાણતી હતી.
શરૂઆતમાં તો રિટેલર પાસેથી ખરીદી કરતા હતા પણ સમય જતાં સમજ પડતાં હોલસેલર પાસેથી રો-મટિરિયલ ખરીદવાની શરૂઆત કરી હતી. મોટાભાગની મહિલાઓએ ક્યારેય ટપાલ પણ મોકલી ન હતી કે, જેથી બેકરી પ્રોડક્ટ્સના પાર્સલ અન્યત્ર મોકલવા પણ તેમના માટે એક પરીક્ષા જ હતી. આ સમય દરમિયાન પેકેજિંગ, કુરિયર સેવા વગેરે અંગે માહિતી મેળવીને કુશળ પણ બન્યાં હતા.
‘બેકરી સિસ્ટર્સ’ની હિંમતની કિંમત:
આ મહિલાઓના ગ્રૂપે ‘અપના બેકરી’ નામથી વર્ષ 2017માં વ્યવસાય શરૂ કર્યો હતો. આની માટે જરૂરી લાયસન્સ તથા રજિસ્ટ્રેશન માટે પણ સંસ્થા તરફથી મદદ મળતી હતી. શરૂઆતના પ્રથમ વર્ષને બાદ કરતા અપના બેકરીને વાર્ષિક 2.50 લાખનો નફો મળ્યો છે.
આ બેકરીમાં અનેકવિધ પ્રકારની તેમજ ઓછાથી લઈને ઉંચા રેન્જની બધા જ ખાદ્યપદાર્થ મળે છે. રાગીના બિસ્કિટ, રાગીની ચક્રી, રાગીના શક્કરપારા, રાગીના ટોસ્ટ, રાગીના માખણિયા તેમજ પાપડ જેવી અન્ય કેટલીક પ્રોડક્ટ્સ મહિલાઓ જાતે જ બનાવી લે છે.
5 વર્ષમાં મહિને 5 લાખની આવક મેળવવાનું લક્ષ્ય:
બેકરી સિસ્ટર્સ કહે છે કે, આવનાર 5 વર્ષમાં ‘અપના બેકરી’ મહિને 5 લાખ રૂપિયાની આવક મળતી થઇ જશે. જો કે, કોરોનાકાળની અસર આ બેકરી પર પણ પડી હતી. લોકડાઉનના સમયમાં પણ અમને અમારા ગામ તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિક લોકોના ઓર્ડર મળી રહ્યાં હતા. લોકડાઉનને લીધે બહારના ઓર્ડર મળવાના બંધ થઇ ગયા હતા.